જમીનમાંથી કંકાલ બહાર કાઢી પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, જાણો આજથી 7 વર્ષ પહેલા શું બન્યો હતો કેસ?

આજથી સાડા છ વર્ષ પૂર્વે 38 વર્ષીય પરબત સેજા કોડીયાતર નામનો વ્યક્તિ ગુમ થયેલ હોય જે અંગે ગુમ થયાની જે તે વખતે ફરિયાદ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આટલા વર્ષો બાદ આ ગુમ થયાની ફરિયાદ અંગેની પોલીસની ઝીણવટભરી તપાસ બાદ આ ગુમ થયેલ વ્યક્તિની હત્યા થયાનું સામે આવ્યું હતું.

જમીનમાંથી કંકાલ બહાર કાઢી પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, જાણો આજથી 7 વર્ષ પહેલા શું બન્યો હતો કેસ?

અજય શીલુ/પોરબંદર: ગુનેગાર ભલે ગમે તેટલો પોતાને શાતિર અને ચાલાક સમજતો હોય પરંતુ આખરે તો કોઈને કોઈ રીતે તેના ગુનાઓનો પર્દાફાશ થતો જ હોય છે. આવો જ એક કિસ્સો પોરબંદર જિલ્લાના રાણાવડવાળા ગામેથી સામે આવ્યો છે. આજથી સાડા છ વર્ષ પૂર્વે 38 વર્ષીય પરબત સેજા કોડીયાતર નામનો વ્યક્તિ ગુમ થયેલ હોય જે અંગે ગુમ થયાની જે તે વખતે ફરિયાદ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આટલા વર્ષો બાદ આ ગુમ થયાની ફરિયાદ અંગેની પોલીસની ઝીણવટભરી તપાસ બાદ આ ગુમ થયેલ વ્યક્તિની હત્યા થયાનું સામે આવ્યું હતું.

પોરબંદર જિલ્લાના રાણાવડવાળા ગામેથી ડિસેમ્બર 2017 ના રોજથી 38 વર્ષીય પરબત સેજા કોડીયાતર નામનો વ્યક્તિ ગુમ છે તે અંગેની ગુમ થયાની ફરિયાદ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી. આટલા વર્ષો પહેલાની આ ગુમ થયાની ફરિયાદ અંગે પોરબંદર પેરોલ ફર્લોના પીએસઆઈને બાતમી મળી હતી કે, આ ગુમ થયેલ વ્યક્તિ પરબત સેજા કોડીયાતરની હત્યા કરવામાં આવી છે.આ હત્યા આજ ગામના રહેવાસી ભીખા સેજા ઉલવા નામના વ્યક્તિએ કરી હોવાની સુત્રો પાસેથી હકીકત મળી હતી.

પોલીસે આ હકીકતને આધારે આરોપીની આગવી ઢબે પુછપરછ હાથ ધરતા આરોપી ભીખા સેજા ઉલવાએ પોતે હત્યા કર્યાની કબૂલાત આપી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીને મૃતકની પત્ની સાથે આડા સંબંધ હોય જેમાં મૃતક અડચણરુપ જણાતા તેણે જ ગળું દબાવી આ હત્યા કરી હતી. આ હત્યા બાદ મૃતદેહને ગામમાં આવેલ તળાવ નજીક ખાડો ખોદીને જમીનમાં દાટી દીધો હોવાની કબૂલાત આરોપીએ પોલીસ સમક્ષ આપી હતી. આરોપી દ્વારા જણાવવામાં આવેલ જગ્યા પર જેસીબી દ્વારા ખોદકામ કરતા મૃતક પરબત સેજા કોડીયાતરના 100 જેટલા અસ્થિઓ મળી આવ્યા હતા.પોલીસે હાલ તો આ પુરાવાઓના ડીએનએ રિપોર્ટ સહીતની તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમ પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ. 

પોરબંદરની પ્રાથમિક તપાસમાં જે રીતે ડિસેમ્બર 2017 ની સાલમાં આરોપીએ મૃતકની હત્યા કર્યાની કબુલાત આપી છે અને આ હત્યા પાછળ મૃતકની પત્ની સાથે આરોપીને આડા સંબંધ હોવાની જે આંશકા જોવા મળી રહી છે ત્યારે પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.આ હત્યામાં મૃતકની પત્નીની કોઈપણ રીતે ભાગીદાર છે કે કેમ તેમજ અન્ય કોઈ તેમા સંડોવાયેલ છે કેમ તે સહિતના મુદ્દે પણ તપાસ હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું. 

મૃતકને બે બાળક અને બે બાળકીઓ એમ કુલ ચાર સંતાનો છે જેઓ હાલમાં તેની માતા સાથે રહે છે ત્યારે આટલા વર્ષો બાદ આ રીતે ગુમ થયેલ વ્યક્તિની હત્યા થઈ હોવાનો ભેદ ઉકેલતા પેરોલ ફર્લો ટીમની કામગીરીને પણ જિલ્લા પોલીસવડાએ બિરદાવી હતી.આટલા વર્ષો બાદ આ કેસમાં ભેદ ઉકેલવા અંગે જિલ્લા પોલીસવડાએ એવુ જણાવ્યુ હતુ કે,પોલીસ અમુક વર્ષોએ જે અનડીટેક્ટ ગુનાઓ હોય છે તેની ફરીથી તપાસ હાથ ધરતી હોય છે તેના જ એક ભાગરુપે આ ગુનાનો ભેદ પણ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. 

આપણે ત્યા ગુજરાતીમાં એક કહેવત છે કે આજે નહી તો કાલે પરંતુ કરેલા પાપ છાપરે ચડીને પોકારે છે આ કહેવત આ ગુનામાં સાચી ઠરી છે. સાડા છ વર્ષ વીતી જતા આ ગુનો આચરનાર આરોપીને એમ કે હવે આ અંગે કોઈને ખબર નહી પડે પરંતુ સત્ય જરૂર બહાર આવે છે. પોરબંદર પોલીસે જે રીતે ઊંડાણપૂર્વક તપાસ કરીને આટલા વર્ષોથી વણઉકેલાયેલ આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે તેને લઈને લોકો પણ પોલીસની કામગીરી બિરદાવી રહ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news