સૌરાષ્ટ્ર યુનિ.ના સત્તાધીશો બેકફુટ પર! ભાજપનાં જ સિન્ડિકેટ સભ્યો કાઢી રહ્યા છે ભિમાણીનાં અનેક કૌંભાડો!

ઉચ્ચ શિક્ષણ વિભાગે તપાસનાં આદેશ આપતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સત્તાધીશો બેકફુટ પર આવ્યા છે અને તપાસ કમિટીનાં રીપોર્ટ અને કોલેજ સામે પગલા લેવાનું નાટક શરૂ કર્યું છે.

સૌરાષ્ટ્ર યુનિ.ના સત્તાધીશો બેકફુટ પર! ભાજપનાં જ સિન્ડિકેટ સભ્યો કાઢી રહ્યા છે ભિમાણીનાં અનેક કૌંભાડો!

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોમાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જામનગરની શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજમાં ખુલ્લેઆમ વીઆઇપી સુવિધા સાથે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી કરાવવામાં આવતી હોવાનો ઝી 24 કલાકે પર્દાફાશ કર્યો હતો. ઉચ્ચ શિક્ષણ વિભાગે તપાસનાં આદેશ આપતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સત્તાધીશો બેકફુટ પર આવ્યા છે અને તપાસ કમિટીનાં રીપોર્ટ અને કોલેજ સામે પગલા લેવાનું નાટક શરૂ કર્યું છે. કાર્યકારી કુલપતિ પ્રો. ગીરીશ ભિમાણીની સામે ભાજપનાં જ સિન્ડિકેટ સભ્યો પડ્યા છે અને તેમનાં વિવાદો કાઢી રહ્યા છે. 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા ઘણાં સમય થી રાજકીય અખાડો બની છે. અવાર નવાર કોઇને કોઇ વિવાદોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવતા હવે તો ઉચ્ચ શિક્ષણ વિભાગે પણ ગંભીર નોંધ લેવી પડી છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરવામાં આવેલી 12 આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી પણ વિવાદમાં આવી છે. તેની પાછળ કારણ છે કાર્યકારી કુલપતિ પ્રો.ગીરીશ ભિમાણી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કરેલી આ ભરતીમાં અંગ્રેજી ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર વિરલ શુક્લાની આવક 8 લાખ કરતા વધું હોવા છતાં તેનું ત્રણ વર્ષ જૂનું EWSનાં સર્ટીફિકેટ માન્ય રાખી ભરતી કરવામાં આવી હતી. 

જોકે સિન્ડિકેટ સભ્યોનાં ધ્યાને આવતા આ ભરતી ખોટી રીતે થઇ હોવાનો સૂર ઉઠ્યો હતો. પરંતુ સિન્ડિકેટ સભ્યોએ કરેલા ઠરાવને સરકારમાં ખોટી રીતે કાર્યકારી કુલપતિનાં આદેશ થી દર્શાવવામાં આવ્યો હતો. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સિન્ડિકેટ સભ્ય રાજેશ કાલરીયાએ જણાવ્યું હતું કે, કોઇ પણ નિયમોની ચુંક થાય ત્યારે ઘણાં આગળ નિકળી ગયા હોય છીંએ. પરંતુ આવા કેસમાં સરકારનું માર્ગદર્શન લેવામાં આવતું હોય છે. જોકે આ કેસમાં સરકારને સિન્ડિકેટ બેઠકમાં કરવામાં આવેલા નિર્ણયને ખોટી રીતે સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યકારી કુલપતિ પ્રો. ગીરીશ ભિમાણીનાં આદેશ થી સરકારમાં સિન્ડિકેટનો પૂર્ણ ઠરાવ મોકલવાને બદલે માત્ર એક જ પેજ મોકલી બધું બરોબર છે તેવું કહીને કૌંભાડ છાવરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

તો બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં બીબીએ અને બી.કોમનાં પેપર ફુટવાની ઘટનામાં પણ પૂર્વ સિન્ડિકેટ સભ્યની કોલેજ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. પરંતુ આ કેસમાં પૂર્વ સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લએ કાર્યકારી કુલપતિ પ્રો, ગીરીશ ભિમાણી અને રજીસ્ટ્રાર અમિત પારેખ સામે માનહાનીનો દાવો કર્યો છે. પૂર્વ સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, કાર્યકારી કુલપતિએ ખોદેલા ખાડામાં ખુદ પડ્યા છે. અમારી કોલેજ પર ખોટા આરોપો લગાવીને પોતાની નિષ્ફળતા છુપાવવા માટે સરકારને ગેરમાર્ગે દોરી હતી. જેથી અમે કાયદાકીય રીતે આગળ વધ્યા હતા અને 11 કરોડનો કાર્યકારી કુલપતિ અને રજીસ્ટાર સામે માનહાનીનો દાવો કર્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક સમયે એ ગ્રેડ ધરાવતી હતી. પરંતુ અવાર નવાર વિવાદોમાં ફસાતા એ ગ્રેડ ગુમાવવાનો વારો આવ્યો છે. શિક્ષણનું ધામ વિવાદોમાં આવતા વિદ્યાર્થીઓનાં શિક્ષણ પર પણ ઘેરી અસર થતી હોય છે. શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજમાં ખુલ્લેઆમ કરાવવામાં આવતી પરિક્ષા ચોરી તો માત્ર ટેઇલર જ છે. જો સરકાર ઉંડાણ પૂર્વક તપાસ કરે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોર્ષની માન્યતા થી લઇને બોગસ કોલેજ સુધીનાં કૌંભાડો સામે આવી શકે છે. પ્રો. ગીરીશ ભિમાણીને કાર્યકારી કુલપતિ પદે થી દુર કરવામાં આવે તેવી શિક્ષણજગતમાંથી માંગ ઉઠી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news