બાળકની જેમ ઉછેરીને મોટા કર્યા બાદ એકાએક ગીરના ખેડૂતો કેમ કાપી રહ્યા છે આંબાના બગીચા!

ગીરની પ્રખ્યાત કેસર કેરી જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે.કેસર નામ સાંભળતા જ ભલ ભલાનાં મોમાં પાણી આવી જાય. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડાના કારણે ખેડૂતો કરજદાર બન્યા છે.

બાળકની જેમ ઉછેરીને મોટા કર્યા બાદ એકાએક ગીરના ખેડૂતો કેમ કાપી રહ્યા છે આંબાના બગીચા!

ઝી બ્યુરો/ગીર સોમનાથ: ગીરની શાન ગણાતી કેસર કેરીના બગીચાઓ થઈ રહ્યા છે નષ્ટ.કેસરકેરી ના બગીચા ઓ કરવત થી કપાય રહ્યા છે.છેલ્લા 10 વર્ષ મા અસંખ્ય બગીચા ઓ કપાયા છે. પોતાના બાળકની જેમ ઉછેરીને મોટા કર્યા બાદ યોગ્ય ઉત્પાદન ન થતાં મજબૂરી વશ આંબાના બગીચાઓ ખેડૂતો કાપી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આવક કરતા ખર્ચ વધી જતાં કેસર કેરીના ખેડૂતો બન્યા કરજદાર.તો કેટલાક ખેડૂતો નવસર્જન માટે જુના આંબા કાપી રહ્યા છે. નવી ખેતીમા વળી રહ્યા છે. 

ગીરની પ્રખ્યાત કેસર કેરી જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે.કેસર નામ સાંભળતા જ ભલ ભલાનાં મોમાં પાણી આવી જાય. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડાના કારણે ખેડૂતો કરજદાર બન્યા છે.આથી પોતાના બાળક કરતા વિશેષ માવજત કરી ઉછેરેલા આંબાના ઝાડ પર કરવત ફેરવી રહ્યા છે. જોકે આંબાના વૃક્ષો તાલાલા ગીરના સુરવા, ઘાવા, હડમતીયા વાડલા સહીતના ગામોમાં પણ કપાઇ રહ્યા છે.કેસર કેરીના આંબાના બગીચા ઓ નષ્ટ કરતા ખેડૂતોનું કહેવું છે કે, ''''છેલ્લા 10 વર્ષથી કેરીના પાકમાં ઉત્પાદન ઘટી રહ્યું છે. ગ્લોબલ વોર્મીંગની અસર અને કમોસમી માવઠાના મારથી કેરી પકવતા બાગાયતી ખેડૂતો દીન પ્રતીદીન નુકસાનીનાં ખપ્પરમાં હોમાઇ રહ્યા છે.

ગત વર્ષ આંકોલવાડી ગીર ગામે 20 વીઘાના આંબાના બગીચામાં 300 થી વઘુ આંબાના વૃક્ષોનું કટીંગ થયું હતું. તો આ વર્ષ પણ આકોલવાડી સહિતના અન્ય ગામનાં ખેડૂતોનાં મતે પોતાના બાળકની જેમ ઉછેરેલા આંબાના આ વૃક્ષો પર કરવત ચલાવવા અમારૂ પણ કાળજું કંપે છે.પરંતુ ના છુટકે આ કરવુ પડી રહ્યું છે.છેલ્લા પાંચ વર્ષથી આંબાના બગીચાઓમાં ખર્ચ સામે નુકસાની વેઠવી પડી રહી છે માટે આંબાના વૃક્ષો કાપી અન્ય પાક તરફ વળી રહ્યાં છે.તો આંબા કટિંગ કરતા મજૂરોને પણ રોજગારી મળી રહે છે...!!

ગીર સોમનાથ જીલ્લામાં કુલ 15500 હેકટરમાં કેસર કેરીના આંબાનું વાવેતર છે.જેમાં એકલા તાલાલા ગીરમાં 9500 હેકટરમાં વાવેતર છે.એટલેજ તાલાળા ગીરને કેસર કેરીનો ગઢ માનવામાં આવે છે.પણ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મીગંને કારણે કેરીનું ઉત્પાદન દીન પ્રતી દીન ઘટી રહ્યું છે. કેસર કેરીના બગાયતી પાકોને પાક વિમા હેઠળ આવરી લેવા છેલ્લા એક દાયકાથી ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે.પરંતુ કયાં કારણોસર આ દીશામાં નકકર કાર્યવાહી થતી નથી તે સમજાતું નથી. જો કેસર કેરીના પાકને પાક વિમાનું રક્ષણ મળે તો ખેડૂતોને કુદરતી આફત સમયે ટેકો મળી રહે છે.

જે રીતે ગીરના જંગલમાં સિંહોના રક્ષણ માટે પ્રયાસો થાય છે તેવી રીતે ગીરની શાન ગણાતી કેસર કેરીના ઝાડનું પણ યોગ્ય પૃથક્કરણ કરી ખેડૂતોને માર્ગ દર્શન આપવા આવે તો આગામી દિવસોમાં કેસર કેરીના ઝાડ કાપતા ખેડૂતોને અટકાવી શકાશે. નહિ તો ગીરની કેસર દિન પ્રતિદિન ઘટતી જશે અને ક્યાંક એવો સમય ન આવે કે નામ શેષ રહી જાય.બીજી તરફ 50 વર્ષથી વધુ જુના આંબાનાં ઝાડ ખેડૂતોને ફરજિયાત કટિંગ કરવા પડે તેમ છે. કારણકે ઝાડની ઉંમર વધતા ફળ નાનું થતું જાય અને ઝાડ વધીને ઊંચા થવાથી કેરી ઉતારવાનો ખર્ચ વધી જાય છે. આથી આવા વર્ષો જુના આંબાનાં વૃક્ષો કાપીને નવી કલમો વાવીને નવસર્જન થઈ રહ્યું છે.

નવા રોપમાં ત્રણ વર્ષ બાદ મબલખ પ્રમાણમાં કેરી આવવા લાગે અને ફળ પણ મોટું થાય તો બજારમાં ભાવ સારો મળે. જેથી ખેડૂતોને ફાયદો થાય પરંતુ આવી રીતે નવસર્જનનો રેશયો 10 ની સામે 2 નો છે.ગ્લોબલ વોર્મિંગને કારણે દિનપ્રતિદિન કેસર કેરીનું ઉત્પાદન ઘટતા ખેડુતો બાગાયતી પાક છોડીને મગ,અડદ,ઘઉં,બાજરી અને મગફળી જેવા રોકડીયા પાકો તરફ વળતા થયા છે.યોગ્ય માત્રામાં પાણી હોય તેવા ખેડૂતો આંબા કાપીને અન્ય પાકો તરફ વળી રહ્યા છે. જેની સંખ્યા ગીર વિસ્તારમાં ખાસ્સા પ્રમાણમાં વધી છે.ગિરની શાન ગણાતી કેસરને બચાવવા માટે સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન અને સહાય આપવી ઘટે તેમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news